હિમેશ રેશમિયાએ ફરીથી અભિનયમાં નસીબ અજમાવ્યું
હિમેશ રેશમિયાએ ફરીથી અભિનયમાં નસીબ અજમાવ્યું
Blog Article
અભિનયમાં નિષ્ફળતા મેળવ્યા છતાં હિમેશ રેશમિયાએ ફરીથી વધુ એકવાર એક્ટિંગમાં નસીબ અજમાવ્યું છે. તે એક્શન ડ્રામા ફિલ્મ ‘બેડઆસ રવિકુમાર’ સાથે પોતાના ચાહકોનું મનોરંજન કરવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ કેટલાક કારણોસર ચર્ચામાં છે. પ્રથમ તો આ ફિલ્મ 80ના દશકની ફિલ્મો જેવી બનાવવામાં આવી છે, તેમજ તેમાં સંગીત પણ એ પ્રકારનું જ બનાવાયું છે. હવે બીજું એક કારણ સામે આવ્યું છે. જે મુજબ આ ફિલ્મ માટે સિંગર-એક્ટર હિમેશ રેશમિયાએ પોતાની ફી માફ કરી છે. તેના કારણે ફિલ્મનું 20 કરોડનું બજેટ તો રિલીઝ રહેલાં જ સરભર થઈ ચૂક્યું છે.
મેકર્સના સ્માર્ટ ફાયનાન્શિયલ પ્લાનિંગ, વ્યૂહાત્મક કરારો અને રેશમિયા તરફથી મળેલાં આ પ્રદાનને કારણે રિલીઝ પહેલાં જ બજેટ રિકવર થઈ ગયું છે.
આ ફિલ્મમાં હિમેશ રેશમિયાએ લીડ રોલ ઉપરાંત ગીતો ગાયા છે અને કમ્પોઝ પણ કર્યા છે. આ પ્રોડક્શન હાઉસ સાથે પ્રોફિટ શેરિંગ મોડલના કારણે તેણે પોતાની એક્ટિંગ અને ગીતો માટેની ફી માફ કરી દીધી છે. આ ફિલ્મની મહત્વની વાત એ છે કે તેમાં 16 ગીતો છે અને તેમાંથી એક તો સાત ગીતોની મેડલી છે, બધું જ હિમેશ રેશમિયાના લેબલમાં પ્રોડ્યુસ થયું છે, તેનાથી ફિલ્મ વધુ કમર્શિયલ થઈ ગઈ છે. રેટ્રો સ્ટાઇલ ફિલ્મનું શૂટિંગ વિદેશોમાં થયું છે. જરૂરી કરકસર સાથે આ ફિલ્મનું પ્રોડક્શ પૂરું થઈ ચૂક્યું છે.
ફિલ્મના મેકર્સનું આયોજન એવી રીતનું છે કે, ફિલ્મ પ્રોડક્શનનો બધો ખર્ચ સંપૂર્ણપણે મ્યૂઝિક રાઈટ્સ અને શૂટિંગ સબસિડીમાંથી સરભર થઈ જાય. તેના માટે લોકેશન્સ પણ સબસિડી મળે તેવા પસંદ થયા હતા. તેથી હવે થીએટર રિલીઝ, ડિજીટલ રિલીઝમાંથી અને સેટેલાઇટ રાઇટ્સમાંથી જે આવક થાય તે ફિલ્મના નફામાં જ ગણાશે. આ ફિલ્મની સ્ટોરી 1980ની છે. ફિલ્મની ટેગલાઇન જ 80ના દાયકા પ્રકારની ફિલ્મ જેવી છે. આ ફિલ્મ માટે ફિરોઝ ખાન અને રાજીવ રાયની ફિલ્મોમાંથી પ્રેરણા લેવામાં આવી છે. હિમેશની કમબેક ફિલ્મનું ટ્રેલર 5 જાન્યુઆરીએ રિલીઝ થયું હતું અને ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.